છેલ્લી સાત આફતો
જેમણે પશુનો નકાર કર્યો તેઓ કાચના સમુદ્રની બાજુમાં ઊભા રહીને મૂસાનું અને હલવાનનું ગીત ગાય છે, અને આપણા પિતાના માર્ગોને ન્યાયી અને સત્ય કહે છે. સાત દૂતો તેજસ્વી શણનાં વસ્ત્રોમાં સાત વાટકા લઈને બહાર આવે છે, અને મંદિર ધુમાડાથી ભરાઈ જાય છે, તેથી તે રેડાય ત્યાં સુધી કોઈ અંદર જઈ શકતું નથી.
15 1મેં આકાશમાં બીજું એક ચિહ્ન જોયું, મોટું તથા આશ્ચર્યકારક: છેલ્લી સાત આફતો પકડી રાખનારા સાત દૂતો, કેમ કે તેઓમાં આપણા પિતાનો ક્રોધ પૂરો થયો.
2અગ્નિથી મિશ્રિત કાચના સમુદ્ર જેવું જે દેખાતું હતું તે મેં જોયું, અને જેઓએ પશુ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો તેઓ તેની પાસે ઊભા રહીને આપણા પિતા તરફથી મળેલી વીણાઓ પકડી રાખતા હતા. 3અને તેઓએ આપણા પિતાના સેવક મૂસાનું ગીત તથા હલવાન ઈસુનું ગીત ગાયું: “હે સર્વસમર્થ સાર્વભૌમ પિતા, તમારાં કાર્યો મોટાં તથા આશ્ચર્યકારક છે! હે પ્રજાઓના રાજા, તમારા માર્ગો ન્યાયી તથા સત્ય છે! 4હે પિતા, તમારી બીક કોણ નહિ રાખે અને તમારા નામને મહિમા કોણ નહિ આપે? કેમ કે એકલા તમે જ પવિત્ર છો. સર્વ પ્રજાઓ આવીને તમારી આગળ ભજન કરશે, કેમ કે તમારાં નીતિમાન કાર્યો પ્રગટ થયાં છે.”
5આ પછી મેં જોયું, તો આકાશમાં સાક્ષ્યના મંડપરૂપ ભક્તિસ્થાન ઉઘાડવામાં આવ્યું. 6સાત આફતો સાથેના સાત દૂતો સ્વચ્છ તથા ઝળહળતા શણનાં વસ્ત્ર પહેરીને, છાતી ફરતે સોનાના પટકા બાંધીને ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા.
7ત્યારે ચાર જીવંત પ્રાણીઓમાંના એકે, સદાકાળ જીવનાર આપણા પિતાના ક્રોધથી ભરેલા સોનાના સાત પ્યાલા સાત દૂતોને આપ્યા. 8આપણા પિતાના મહિમાથી તથા તેમના સામર્થ્યથી નીકળતા ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું; અને જ્યાં સુધી સાત દૂતોની સાત આફતો પૂરી ન થઈ, ત્યાં સુધી કોઈ તેમાં પ્રવેશ કરી શક્યું નહિ.