સર્વ લોકો માટે પ્રાર્થના
પાઉલ સૌથી પહેલાં રાજાઓ સહિત સર્વ લોકો માટે પ્રાર્થના કરવાનું કહે છે, કારણ કે આપણા પિતા ઇચ્છે છે કે સર્વ લોકોનો ઉદ્ધાર થાય, અને એક જ મધ્યસ્થ, ખ્રિસ્ત ઈસુએ, સર્વને માટે પોતાને આપી દીધા. પછી પુરુષોએ ક્રોધ વિના પ્રાર્થના કરવી, અને સ્ત્રીઓએ મર્યાદાથી વસ્ત્રો પહેરવાં, શાંતિથી શીખવું અને શિક્ષણ ન આપવું.
2 1તો, સૌથી પહેલાં હું આગ્રહ કરું છું કે સર્વ લોકો માટે વિનંતીઓ, પ્રાર્થનાઓ, મધ્યસ્થી તથા આભારસ્તુતિ કરવામાં આવે, 2રાજાઓ તથા અધિકાર પર રહેલા સર્વ માટે, જેથી આપણે પૂર્ણ ભક્તિ તથા ગૌરવમાં શાંત અને સ્વસ્થ જીવન જીવી શકીએ. 3આ સારું છે અને આપણા પિતા, આપણા ઉદ્ધારકને પસંદ પડે છે, 4જેઓ ઇચ્છે છે કે સર્વ લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યને ઓળખવા આવે. 5કારણ, એક જ પિતા છે, અને પિતા તથા માનવજાત વચ્ચે એક જ મધ્યસ્થી છે, એટલે માનવ ખ્રિસ્ત ઈસુ, 6જેમણે સર્વને માટે પોતાને ખંડણી તરીકે આપ્યા—આ સાક્ષી યોગ્ય સમયે અપાઈ. 7આ માટે મને ઉપદેશક તથા પ્રેષિત બનાવવામાં આવ્યો—હું સત્ય કહું છું, જૂઠું બોલતો નથી—વિશ્વાસ તથા સત્યમાં રાષ્ટ્રોનો શિક્ષક. 8હું ઇચ્છું છું કે દરેક સ્થળે પુરુષો ક્રોધ કે વિવાદ વિના પવિત્ર હાથ ઊંચા કરીને પ્રાર્થના કરે.
9એ જ પ્રમાણે, સ્ત્રીઓએ નમ્રતા તથા સંયમ સાથે યોગ્ય રીતે પહેરવેશ કરવો જોઈએ, ગૂંથેલા વાળ, સોનું, મોતી કે મૂલ્યવાન વસ્ત્રોથી નહિ, 10પણ સારાં કાર્યોથી, જેમ આપણા પિતા પ્રત્યે ભક્તિનો દાવો કરનાર સ્ત્રીઓને શોભે છે. 11સ્ત્રીએ પૂર્ણ આધીનતામાં શાંતિથી શીખવું જોઈએ. 12હું સ્ત્રીને શીખવવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની પરવાનગી આપતો નથી; તેને બદલે, તેણે શાંત રહેવું જોઈએ. 13કારણ, આદમ પહેલાં રચાયો, ત્યારપછી હવા. 14અને આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રી છેતરાઈ અને અપરાધી બની. 15પણ બાળકના જન્મ દ્વારા તેનો ઉદ્ધાર થશે, જો તેઓ સંયમ સાથે વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં ટકી રહે તો. a a v15 સર્વનામ 'તે'થી 'તેઓ'માં બદલાય છે—જેમ મૂળમાં છે—સંભવતઃ આ ગુણોમાં ટકી રહેનાર સામાન્ય રીતે સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે.