સિંહ જેવા નિર્ભય
સત્તા અને પૈસા સાથે સાથે. બળવાખોર દેશમાં ઘણા શાસકો હોય છે, દુષ્ટ શાસક ધસી આવતા રીંછ જેવો છે, અને દુષ્ટો ઊઠે ત્યારે લોકો સંતાઈ જાય છે. પાપ છુપાવવાથી કંઈ વળતું નથી પણ તેમને કબૂલ કરવાથી દયા મળે છે, અને ધનવાન થવાની ઉતાવળને વારંવાર માણસનો નાશ કરનારી કહેવામાં આવી છે.
28 1દુષ્ટો કોઈ પાછળ પડ્યું ન હોય તોપણ નાસે છે, પણ નેક માણસો સિંહ જેવા નિર્ભય હોય છે. 2જ્યારે દેશ બળવો કરે છે, ત્યારે તેના ઘણા શાસકો હોય છે, પણ સમજ અને જ્ઞાનવાળા માણસથી તે સ્થિર રહે છે. 3ગરીબ માણસ જે નિરાધાર પર જુલમ કરે છે, તે અનાજ ન રહેવા દેતા ધોધમાર વરસાદ જેવો છે. 4જેઓ નિયમ છોડી દે છે, તેઓ દુષ્ટોની પ્રશંસા કરે છે, પણ જેઓ નિયમ પાળે છે, તેઓ તેમની સામે ઝૂઝે છે. 5દુષ્ટ લોકો ન્યાય સમજતા નથી, પણ જેઓ આપણા પિતાને શોધે છે, તેઓ તે પૂરેપૂરો સમજે છે. 6પોતાના માર્ગોમાં કુટિલ ધનવાન માણસ કરતાં પ્રામાણિકપણે ચાલનાર ગરીબ માણસ સારો છે. 7જે નિયમ પાળે છે, તે સમજુ દીકરો છે, પણ ખાઉધરાઓનો સાથી પોતાના પિતાને શરમાવે છે. 8જે વ્યાજ અને અન્યાયી કમાણીથી પોતાની સંપત્તિ વધારે છે, તે ગરીબો પર દયાળુ હોય તેને માટે તે ભેગી કરે છે. 9જો કોઈ નિયમ સાંભળવાની ના પાડે છે, તો તેની પ્રાર્થના પણ ધિક્કારપાત્ર છે. 10જે પ્રામાણિકોને ખોટા માર્ગે દોરીને ભટકાવે છે, તે પોતાના જ ખાડામાં પડશે, પણ નિર્દોષ લોકો સારી વસ્તુઓનો વારસો પામશે. 11ધનવાન માણસ પોતાની નજરમાં જ્ઞાની છે, પણ સમજુ ગરીબ માણસ તેને પારખી લે છે. 12જ્યારે નેક લોકોનો વિજય થાય છે, ત્યારે મોટો મહિમા થાય છે, પણ જ્યારે દુષ્ટો ઊભા થાય છે, ત્યારે લોકો સંતાઈ જાય છે. 13જે પોતાનાં પાપ છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે તેમને કબૂલ કરીને તેમનાથી પાછો ફરે છે, તેને દયા મળશે. 14જે હંમેશાં ભયપૂર્વક રહે છે, તે આશીર્વાદિત છે, પણ જે પોતાનું હૃદય કઠણ કરે છે, તે આફતમાં પડશે. 15નિરાધાર લોકો પર દુષ્ટ શાસક ગર્જના કરતા સિંહ અથવા ધસી આવતા રીંછ જેવો છે. 16જે શાસકમાં સમજ નથી, તે ક્રૂર જુલમગાર છે, પણ જે અન્યાયી કમાણીને ધિક્કારે છે, તે પોતાના દિવસો લંબાવશે. 17ખૂનના દોષથી દબાયેલો માણસ મરણ સુધી ભાગેડુ રહેશે; કોઈ તેને આધાર ન આપે. 18જે પ્રામાણિકપણે ચાલે છે, તે સુરક્ષિત રહેશે, પણ જે પોતાના માર્ગોમાં કુટિલ છે, તે અચાનક પડી જશે. 19જે પોતાની જમીન ખેડે છે, તેની પાસે પુષ્કળ રોટલી હશે, પણ જે નકામી વસ્તુઓની પાછળ દોડે છે, તેની પાસે પુષ્કળ ગરીબી હશે. 20વિશ્વાસુ માણસ આશીર્વાદોથી ભરપૂર થશે, પણ જે ધનવાન થવા ઉતાવળ કરે છે, તે શિક્ષા પામ્યા વિના રહેશે નહિ. 21પક્ષપાત કરવો સારું નથી, તોપણ રોટલીના ટુકડા માટે માણસ ખોટું કરશે. 22કંજૂસ માણસ સંપત્તિની પાછળ દોડે છે અને જાણતો નથી કે ગરીબી તેના પર આવી પડશે. 23જે માણસને ઠપકો આપે છે, તે અંતે પોતાની જીભથી ખુશામત કરનાર કરતાં વધારે કૃપા પામશે. 24જે પોતાના પિતા કે માતાને લૂંટે છે અને કહે છે, “એ કંઈ પાપ નથી,” તે નાશ કરનારનો સાથી છે. 25લોભી માણસ ઝઘડો ઊભો કરે છે, પણ જે આપણા પિતા પર ભરોસો રાખે છે, તે સમૃદ્ધ થશે. 26જે પોતાના જ હૃદય પર ભરોસો રાખે છે, તે મૂર્ખ છે, પણ જે જ્ઞાનમાં ચાલે છે, તે સુરક્ષિત રહેશે. 27જે ગરીબોને આપે છે, તેને કશાની ખોટ પડશે નહિ, પણ જે તેમના તરફ પોતાની આંખો બંધ કરે છે, તે ઘણા શાપ પામશે. 28જ્યારે દુષ્ટો ઊભા થાય છે, ત્યારે લોકો સંતાઈ જાય છે, પણ જ્યારે તેઓ નાશ પામે છે, ત્યારે નેક લોકો આબાદ થાય છે.